મુક્તિ માર્ચ...

મુક્તિ માર્ચ: (૨૮ ઓગસ્ટ, ૧૮૯૩)

ધારોકે તમે ૧૮૯૩ના વર્ષમાં ટાઇમ ટ્રાવેલ કરીને પાછા પહોંચી શકો. અને ધારોકે તમારી પાસે કોઇ વિમાન હોય જેમાં બેસીને તમે સમગ્ર દેશનું વિહંગાવલોકન કરી શકો તો, કદાચ આવા ચિત્ર તમારી આંખોને દેખાય.

જો તમે બોમ્બે-પૂનાના આકાશ પર હોવ તો, મેલાધેલા મજૂરીયા દલિતો કે જેમની ડોકમાં હાંડી ભરાવવામાં આવી હોય તથા પાછળ સાવરણી બાંધવામાં આવી હોય.

થોડા હજી વધુ સાઉથમાં જાવ તો હાલમાં જેને કેરલ કહે છે તેના કેટલાક ભાગમાં કદી ત્રાવણકોર સ્ટેટ હતું. તમે એના આકાશ પરથી દેખો તો દેખાય કે દલિત મહિલાઓ પોતાના સ્તન ઢાંકી શકતી નહોતી. જો ઢાંકવા હોય તો, 'સ્તન કર' આપવો પડતો. રાજ્યનો ટેક્ષ કલેકટર ઘરેઘરે જયીને દલિત મહિલાઓના સ્તનનું નિરીક્ષણ કરતો. સ્તનના સાઇઝ અને જથ્થાના ધેરાવાના આધારે એ ટેક્ષ નક્કી કરતો. જે ભર્યા બાદ જ, મહિલાને પોતાના સ્તન ઢાંકવાની પરમિશન મળતી.

તમે ખેતરોમાં દેખો તો મોટા ભાગના મજૂર, દલિતો હતા. તેમને સ્મશાનનો કે પાણી ભરવાનો પણ હક્ક નહોતો. એમને જાહેર રસ્તે ચાલવાનો પણ હક્ક નહોતો. તેમને સવર્ણ કાસ્ટ ના તથા ખાસ કરીને બ્રાહ્મણો પહેરે તેવા કપડાં પહેરવાનો પણ હક્ક નહોતો.

આ બધું તમને દેખાય તારીખ ૨૭મી ઓગસ્ટ, ૧૮૯૩ સુધી. પણ ૨૮ ઓગસ્ટ કશાક જુદા મીજાજે સાથે ઉગે છે.

એક અજબ શબ્દ હવામાં ઉછળે છે, મુક્તિ માર્ચ. તમને ખળભળાટ થતો દેખાશે. બ્રાહમણો આને સવર્ણો રસ્તાઓ પર એકઠા થવા માંડે છે. કોઇને કશી ખબર નથી પણ, કોઇ ધરડો બ્રાહ્મણ ,'ધર્મ' ભ્રષ્ટ થયી જશે એવી રાડો પાડે છે.

તીરુવનંતપુરમ જીલ્લાના એક મુખ્ય રસ્તા પર એક દલિત યુવાન એક બળદ ગાડા પર સવાર થયીને દલિતો માટે પ્રતિબંધીત રસ્તા પર મુસાફરી શરુ કરે છે. એક સાથે એ ધણા કાયદાઓ તોડે છે.
પહેલા તો અછૂતોને સારા કપડા પહેરવાની મનાઇ હતી.તેણે સારા કપડા પહેર્યા છે. અછૂતોને બળદગાડામાં બેસવાની મનાઇ હતી, એણે પોતાનું બળદગાડું ખરીદી લીધુ. અને, મુખ્ય રસ્તા પર તે ચાલવા લાગ્યો. ભયાનક હો હા થવા લાગી. મારો મારો ના નારા લાગવા માંડ્યા. પણ સવર્ણો આગળ ન વધી શક્યા. કેમકે પેલા યુવાનના હાથમાં એક મજબુત કૂહાડી હતી. તથા તેની આંખમાં સ્પષ્ટ હતું કે જે પહેલો સામે આવ્યો તે ગયો.

આશરે ચાર કિલોમીટર લાંબો  રસ્તો એ યુવાને એકલાએ નહોતો કાપ્યો. એ દિવસે ભારતના ઇતિહાસે સાડા ત્રણ હજાર વર્ષનો જમ્પ માર્યો હતો અને આધુનિક યુગમાં પ્રવેશ કર્યો હતો.

બીજા દિવસથી જ આખા ત્રાવણકોર સ્ટેટ માં ઠેરઠેર અછૂતો પોતાના આ ત્રણ હક્ક જાહેરમાં ક્લેમ કરવા લાગ્યા. સવર્ણો ના હુમલા અને પ્રતિ હુમલાઓ વધતા ગયા. આશરે સાત વરસ સુધી ચાલેલા એ સંધર્ષને ઇતિહાસમાં ચેલીયાર રમખાણો તરીકે આલેખવામાં આવ્યા છે. પણ, હવે સમયનો રથ ઉલ્ટો ફરી શકે એમ નહોતો. આખરે ૧૯૦૦ની સાલમાં સરકારે કાયદો પસાર કરીને અછૂતોના હક્ક માન્ય રાખવા પડ્યા.

એ યુવાનનું નામ હતુ-આયંકલી.

પણ એક હક્ક મેળવ્યા પછી શાત બેસે તો અયંકલી શાના?

તેમણે દલિત મહિલાઓના શિક્ષણ બાબતે પ્રયત્ન શરુ કર્યા. ૧૯૦૭મા એક દલિત દિકરીએ તેમને વિનંતી કરી કે મારે ભણવું છે પણ સ્કૂલ વાળા એડમીશન નથી આપતા.

આયંકલી ફરી પાછા મેદાન માં આવે છે.

અછૂતો બધા જ ખેતમજૂર હતા. એટલે તેમણે ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ખેતમજૂરોની હડતાલ પાડવામાં આવી. તેમણે ભારતનું સર્વ પ્રથમ ખેતમજૂર યુનિયન બનાવ્યું.

અયંકલીએ જાહેર કર્યું: જો તમારી શાળાઓમાં અમારા બાળકોને પ્રવેશ નહીં આપો, તો તમારા ઉભા પાક ખેતરોમાં પડ્યા રહેશે.

આશરે એક વરસ સુધી આ હડતાલ ચાલી. જમીનદારો એ આ હડતાલ તૂટી જાય તે માટેના બધા જ પ્રયત્નો કર્યા. પણ અયંકલી એ ખૂબ જ કૂનેહ પૂર્વક, અન્ય માછીમાર જાતિઓ સાથે સંકલન કર્યું. જેમણે આખી હડતાલ દરમ્યાન અછૂતોને જમવાનું પુરુ પાડ્યું.

જમીનદારો ના ગુંડાઓ સતત હુમલા કરતા હતા. તેની સામે અયંકલી એ પોતાની એક સેના બનાવી હતી.

આખરે પહેલી માર્ચ, ૧૯૧૦ ના રોજ સરકાર જૂકી આને બધા જ અછૂતોને ભણવાનો અધિકાર આપવામાં આવ્યો. એટલું જ નહીં જમીનદારો એ મજુરીના વધારાના દર પણ સ્વીકાર્યા.

+++++++++++++++

હું રાષ્ટ્રને જ નથી માનતો એટલે રાષ્ટ્રપિતાની વિભાવના પણ મને નથી ગમતી. પણ, જો કોઇ વ્યક્તિને રાષ્ટ્રપિતા કહેવાના જ હોય તો નિઃશંક પણે તે અયંકલી જ હોઇ શકે.

જો તમે દલિત સમુદાયમાંથી આવતા હોવ અને મહાત્મા અયંકલીનુ નામ ન સાંભળ્યું હોય તો વાંક તમારો નથી. એક ચોક્કસ ષડયંત્ર હેઠળ પેરિયાર અને અયંકલીના નામ અને કામ દલિત સમુદાયો સુધી ન પહોંચે તેવુ કરવામાં આવ્યું છે.

દલિતોના હક્કો માટે લડનારા લોકોને બે ભાગમાં વહેંચી શકાય છે. એક જાતિ વિષયક સુધારાવાદી ઓ કે જે સરકાર અને વ્યવસ્થા સાથે સહકાર કરીને ચાલે છે. તેમનો હેતુ હંમેશા નાના મોટા સુધારા મેળવવાનો હોય છે. તે કદી પણ વ્યવસ્થા પરિવર્તન માટે સંધર્ષ નથી કરતા. બીજા છે ક્રાંતિકારી જાતિનિર્મૂલન યોધ્ધાઓ. ભારતમાં ધણા બધા જગ્યાએ આવા ક્રાંતિકારી યોદ્ધાઓએ જીવસટોસટની બાજી લગાવીને સરકાર (અંગ્રેજ હોય કે અન્ય કોઇ) તથા વ્યવસ્થાને ચેલેન્જ કરીને દલિતોને મૂળભૂત માનવ અધિકારો અપાવ્યા.

અયંકલી એવા જ એક ક્રાંતિકારી જાતિ વિરોધી યોધ્ધા હતા. તેમને તેમના જન્મ દિને ક્રાંતિકારી સલામ.

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...