ચવદાર તળાવ સત્યગ્રાહ...

ચવદાર તળાવ સત્યગ્રાહ...

*********************


બાબાસાહેબ નો સૌપ્રથમ સત્યાગ્રહ એટલે ચવદાર તળાવ સત્યાગ્રહ (20 માર્ચ 1927).

જીવનમા મીઠા કરતા પાણીનુ મહત્વ વધારે હોય છે, પરંતુ મનુવાદી મિડિયા એ મી. ગાંધી ના મીઠા સત્યાગ્રહ ને જેટલુ આજદીન સુધી દર્શાવ્યુ છે તેની સરખામણીમા બાબાસાહેબ ના ચવદાર તળાવ (પાણી) સત્યાગ્રહ ની માત્ર ઉપેક્ષા જ કરી છે.

આ ચવદાર તળાવ પશ્ચિમ મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં મહાડ જિલ્લાના (હાલમાં રાયગડ જિલ્લામાં) કોલમ્બા નગરમા આવેલુ છે. તળાવની આજુબાજુ એ સમયમાં હિન્દુ વસાહત હતી અને તેની મધ્યમાં તે આવેલુ હતું. આ તળાવ એક જૂનુ તળાવ છે અને તેને કોણે બનાવ્યું છે અથવા ક્યારે બનાવ્યું હતું તે કોઈને ખબર નથી. પરંતુ 1869 માં જ્યારે સરકાર દ્વારા મહાડ શહેર માટે પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેને સરકાર દ્વારા નગરપાલિકાને સોંપવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેને મ્યુનિસિપલ એટલે કે જાહેર તળાવ તરીકે ગણવામાં આવતુ હતુ. 

બાબાસાહેબે લોકોને સમજાવ્યુ કે જાહેર સ્થળેથી પાણી પીવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે.

મહાડ એક વ્યવસાય કેન્દ્ર હતુ. તે તાલુકાનું મુખ્ય મથક પણ હતુ. અસ્પૃશ્યોએ કાં તો ખરીદી કરવાના હેતુથી અથવા અન્ય હેતુસર મહાડ આવવું પડતુ હતું. ચવદાર તળાવ એકમાત્ર જાહેર તળાવ હતુ જ્યાંથી બહારના વ્યક્તિને પાણી મળી શકતું હતું. પરંતુ અસ્પૃશ્યોને આ તળાવમાંથી પાણી લેવા દેવામા આવતુ ન હતુ. અસ્પૃશ્યો માટે પાણીનો એક માત્ર સ્રોત મહાડ શહેરમાં અસ્પૃશ્યોની વસાહતમાં એક કૂવો હતો. આ કૂવો શહેરના મધ્યભાગથી થોડે દૂર હતો. પાલિકા દ્વારા તેની ઉપેક્ષા કરવાને કારણે તે બિનઉપયોગી હતો. તેથી અસ્પૃશ્ય લોકો પાણીની બાબતમાં મોટી મુશ્કેલી વેઠી રહ્યા હતા. 1923 માં બોમ્બેની વિધાનસભા પરિષદે ઠરાવ પસાર કર્યો હતો કે અસ્પૃશ્ય વર્ગોને જાહેર ભંડોળમાંથી બાંધવામાં આવેલ અને જાળવણી કરવામાં આવતી અથવા સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ સંસ્થાઓ દ્વારા સંચાલિત અથવા બનાવવામાં આવેલ તમામ જાહેર પાણી પીવાની જગ્યાઓ, કુવાઓ, ધર્મશાળાઓનો ઉપયોગ કરવો. 1924 માં મહાડ મ્યુનિસિપલ કાઉન્સિલે પણ તેનો અમલ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમ છતાં સ્થાનિક તથાકથિત ઉચ્ચજાતિના હિન્દુઓના વિરોધના કારણે અસ્પૃશ્યોને પાણી પીવા દેવામા આવતુ ન હતુ. બાબાસાહેબનો ઉદ્દેશ્ય દલિતોમા માનવાધિકારની લાગણી પેદા કરવાનો હતો. તેમણે નિશ્ચય કર્યો કે આપણો અસ્પૃશ્ય સમાજ આ તળાવનું પાણી પીને જ રહેશે.

આ માટે બે મહિના પહેલા એક સમ્મેલન બોલાવવામાં આવ્યુ હતુ. લોકોને ગામડે ગામડે મોકલવામાં આવ્યા કે 20 માર્ચ 1927 ના રોજ અમે આ તળાવમાંથી પાણી પીશું. લોકો એકત્રિત થયા હતા. ત્યા એક પંડાલ ગોઠવાયો હતો. એક મુસ્લિમે તે પંડાલ માટે જમીન આપી હતી. તથાકથિત ઉચ્ચજાતિના હિંદુઓએ મુસ્લિમો ઉપર આવા સંમેલન માટે જમીન ન આપવા દબાણ કર્યું હતું તેમ છતાં તેઓએ તેમની જમીન આપી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. લોકો દૂર-દૂરથી આવતા હતા. લગભગ 2500 થી વધુ લોકો ત્યાં આવ્યા હતા.

આ સંમેલનમાં બાબાસાહેબ આંબેડકરે હાજર વિશાળ અસ્પૃશ્ય સમાજ ના લોકો ને કહ્યુ હતું કે,

      “આપણે અસ્વચ્છ રહેવુ નહી, સ્વચ્છ કપડાં પહેરો, મરેલા પ્રાણીનું માંસ ન ખાઓ. આપણે પણ માણસો છીએ અને બીજા માણસોની જેમ આપણને પણ આદર સાથે જીવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે આ તળાવનું પાણી પીવાથી આપણે અમર નહીં થઈ જઇયે, પરંતુ પાણી પીવાથી આપણે બતાવીશું કે આપણને પણ આ પાણી પીવાનો અધિકાર છે. જ્યારે કોઈ બહારનો માણસ અથવા પ્રાણી પણ આ તળાવનુ પાણી પી શકે છે, તો પછી આપણા પર બંધન કેમ? આ સમાજને ફરીથી સંગઠિત કરવાનો પ્રયાસ છે, સામંતવાદી સમાજ અને તેની અસમાનતાને નાબૂદ કરવાનો પ્રયાસ છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ પર આધારિત નવો સમાજ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”

ભાષણ બાદ આંબેડકર હજારો અનુયાયીઓ સાથે ચવદાર તળાવ ગયા. આંબેડકરે ચવદાર તળાવમાથી  પાણી પીધું અને હજારો અસ્પૃશ્યો પણ તેમ કર્યુ. આ વિરોધ એકદમ શાંતિપૂર્ણ હતો પરંતુ બાબાસાહેબે આ પાણી પીને જાતિવાદી માનસિકતા ધરાવતા વર્ગ ના મોઢા ઉપર એક અદ્રશ્ય તમતમતો તમાચો માર્યો અને શાન મા સમજાવી દિધુ કે અમે તમારા મનુવાદી ઇરાદાઓ ચલાવી લઇશુ નહિ. આ વિરોધ તેના ઉદ્દેશમાં બહુ વિશાળ અને દુરંદેશી હતો, કેમ કે તે સદીઓથી સ્થાપિત બ્રાહ્મણવાદી વર્ચસ્વને પડકારતો હતો. બાબાસાહેબે આ આંદોલનની તુલના ફ્રેન્ચ ક્રાંતિ સાથે કરી, જે સામંત વર્ગ અને સમાજના ધાર્મિક સુવિધાવાળા વર્ગના વિરોધમાં હતી અને જે ક્રાંતિએ વિશ્વને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો માર્ગ બતાવ્યો હતો.

સત્યાગ્રહ વિશે બાબાસાહેબ કહે છે કે “એવું નથી કે તમે સત્યાગ્રહ દ્વારા તમારી બધી સમસ્યાઓ હલ કરી શકશો. આ ઉચ્ચવર્ગીય હિન્દુમાનસીકતા ને વિનંતી માત્ર છે. આ સત્યાગ્રહ આંદોલન એ સાબિત કરવા જઈ રહ્યું છે કે શું હિન્દુમાનસ મનુષ્યની સાથે મનુષ્યની જેમ વર્તે છે કે નહિ. આ સત્યાગ્રહ હિન્દુઓના હૃદયપરિવર્તન માટે છે. આ ચળવળ નક્કી કરશે કે શું આવનાર સમયમાં હિન્દુમાનસ માનવતાને ધ્યાનમાં રાખશે કે કેમ.”

આ ચવદાર તળાવ સત્યાગ્રહ એ પાણી માટે નહીં પણ માનવ અધિકારોને સ્થાપિત કરવા માટે હતો.

જય ભીમ 🙏🏻

Comments

Popular posts from this blog

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...