ઓ મારી જાતિ...

દાતરડું પણ ઉઠાવી શકે છે.

બેઠી થા,
ખંખેરી નાખ ભયને
ઘા કર,
એના મૂળમાં મક્કમતાથી.
ચીરી નાખ એની સાત પેઢીને.
તારા હાથ,
માત્ર કપાસ વિણવા
કે,
રોટલા ઘડવા પૂરતાં નથી
દાતરડું પણ ઉઠાવી શકે છે.
હાથ જોડી કરગરવાને
જીવવું નથી કહેવાતું.
ને,
હિજરત કરવાથી ન્યાય નથી મળતો.
સમયની ખીણમાં
કેટલીય હિજરતો હિબકાભરી ડૂબી ગઈ છે.
ટાઢ, તડકો ને વરસાદ વેઠી,
લીમડાના ઝાડ નીચે,
સરકારી કચેરી સામે,
ગરીબની મજાક ઉડાવતી કયારની મરી ચૂકી છે
ન્યાયની દેવી.
ઊઠ, જાગ ને ગાંઠ વાળી લે
તારું કોઈ નથી તારા સિવાય.
તારો ધણી પણ નહીં.
કોણ છે તારું અહીં ?
ને,
કોણ આપશે ન્યાય તને !
પેલાં
સીમા પારના આંતકવાદનો ડર બતાવી
દેશ લૂંટી રહ્યા છે એ.
કે પછી,
અંદરના જાતિવાદી આંતકવાદીઓ
બેખૌફ બની ગામેગામ
ફેલાઈ ગયા છે ખૂણે ખૂણે.
જેની સામે ખોળો પાથરી તું બેઠી છો.
એ ન્યાય તો પથ્થર પર માથું પછાડી કયારનો ચૂર ચૂર થઈ ચૂક્યો છે.
ઊભી થા, આંખ ખોલ
દૂર દૂર નજર નાખ
અને જો,
પોલીસ કોની છે ?
કોર્ટ કોની છે ?
સત્તા કોની છે ?
સરપંચ કોનો છે ?
બળાત્કારી કોણ છે ?
અને,
તારું કોણ છે !
તારી આબરું પર પડેલાં
હાથને તારે જ વાઢવો પડશે.
ન્યાય બલિદાન માંગે છે, ભીખ નહીં.
સત્તાના શાસકોએ સંવિધાનની વાતો બહુ કરી લીધી.
લાગું કરી હોત તો
તો,
ગામના ઉતાર જેવા ભા કયારના ભોંય ભેગા થઈ ગયા હોત.
દેહ ચૂંથતા હવસખોર.
બની બેઠેલાં સિંહ સમાજમાં નહીં,
સળિયા પાછળ હોત.
ને,
બદ્દ ઈરાદાવાળા બાપુઓ
હાથ જોડી તારી સામે ઉભડક બેઠાં હોત.
માટે,
તારે મરી મરીને મરવું છે
કે, ખમીર જગાવીને.
બેઠી થા,
ખંખેરી નાખ ભયને
ઘા કર, એના મૂળમાં.

નિલેશ કાથડ / જૂનાગઢ /9426169888


Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?